વાવના ગોલગામમાં મહા સુદ એકમથી પૂનમ સુધી ભવ્ય લોકમેળો: શ્રદ્ધા અને પરંપરાનો અનોખો સંગમ
બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ગોલગામ મુકામે મહા માસની સુદ એકમથી પૂનમ સુધી પરંપરાગત ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં ખેતરપાળ દાદા કાળા ગોરા અને સ્થાનિક દેવસ્થાન પ્રત્યેની અતૂટ શ્રદ્ધાને કારણે ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે.આ મેળાનું વિશેષ મહત્વ જણાવતા સ્થાનિકોએ જણાવ્યું હતું કે, અહીં વર્ષો જૂની પરંપરા મુજબ ‘પહેલા ખોળાના દીકરા’ ના જાર (બાધા/માનતા) કરવા ફરજિયાત ગણવામાં આવે છે. શ્રદ્ધાનો આ વિષય એવો છે કે પરિવાર ભલે દુનિયાના કોઈપણ ખૂણે વસતો હોય, પરંતુ દીકરાની માનતા પૂરી કરવા અને કુળની પરંપરા જાળવવા માટે મેળા દરમિયાન ગોલગામ આવવું અનિવાર્ય બને છે.૧૫ દિવસ સુધી ચાલતા આ લોકમેળામાં લોક સંસ્કૃતિના દર્શન થાય છે. અહીં રાસ-ગરબા, હાટડીઓ અને ધાર્મિક પ્રસંગોની રંગત જામે છે. વાવ પંથક સહિત આસપાસના વિસ્તારના હજારો શ્રદ્ધાળુઓ પોતાની બાધા-આખડી પૂરી કરવા અને મેળાનો આનંદ માણવા ઉમટી પડ્યા છે, જેના કારણે ગોલગામની ધરતી ભક્તિમય બની ગઈ છે.
અહેવાલ : અજેસીભાઇ પરમાર વાવ-થરાદ




