મનોરંજન બેન્ક’ના નામે છેતરપિંડીનું રેકેટ ઝડપાયું: ૩ ઠગ આરોપી ભચાઉમાં ઝડપાયા

મનોરંજન બેન્ક’ના નામે છેતરપિંડીનું રેકેટ ઝડપાયું: ૩ ઠગ આરોપી ભચાઉમાં ઝડપાયા
કચ્છ પોલીસની મોટી સફળતા: ૫૦૦ના દરની ડુપ્લિકેટ નોટોથી ઠગતા ગેંગનો પર્દાફાશ…
અહેવાલ. ધરકાસ મોખા
ભચાઉ, પૂર્વ-કચ્છ:
કચ્છ પૂર્વ (ગાંધીધામ) પોલીસ અધિક્ષકશ્રીના માર્ગદર્શન હેઠળ, ભચાઉ વિભાગની પોલીસે એક હાઈ-પ્રોફાઇલ છેતરપિંડીના રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગ ભારતીય ચલણ જેવી જ દેખાતી નકલી નોટોના બંડલો વડે લોકોને છેતરતી હતી.
આવી રીતે કરતા હતા ઠગાઈ:
ધરપકડ કરાયેલા આરોપીઓ સોશિયલ મીડિયા, ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ, દ્વારા નિર્દોષ લોકોને નિશાન બનાવતા હતા. તેમની મુખ્ય લાલચ હતી: “એક લાખ રૂપિયા રોકો, તેના બદલે ચાર લાખ લઈ જાઓ.”
લોકોનો વિશ્વાસ જીતવા માટે તેઓ શરૂઆતમાં સાચી ચલણી નોટો બતાવતા. પરંતુ જ્યારે સોદો પાર પડતો, ત્યારે તેઓ ભોગ બનનારને ₹૫૦૦ના દરની નોટો જેવા દેખાતા, પણ જેના પર ‘ભારતીય મનોરંજન બેન્ક’ અને ‘ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા’ લખેલું હતું, તેવા નકલી નોટોના બંડલ આપીને ફરાર થઈ જતા હતા.
કોણ છે પકડાયેલા આરોપીઓ?
ચોક્કસ બાતમીના આધારે, ભચાઉ પોલીસે વોચ ગોઠવી અને સફેદ રંગની સ્વિફ્ટ કાર (GJ 06 FC 0580) માં સવાર ત્રણ આરોપીઓને મોગલધામ (કબરાઉ) નજીકથી દબોચી લીધા હતા.
પકડાયેલા ત્રણેય આરોપીઓ ભુજ તાલુકાના કનૈયાબે ગામના રહેવાસી છે:
જમનશા ભચલશા શેખ
નશીરશા અકબરશા શેખ
યુનુસશા લતિફશા શેખ
પોલીસે આ ત્રણેય પાસેથી છેતરપિંડીમાં ઉપયોગમાં લેવાતી સામગ્રી, જેમાં નકલી નોટોના બંડલોનો સમાવેશ થાય છે, તે કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ગેંગ અન્ય કેટલા લોકોને શિકાર બનાવી ચૂકી છે, તે અંગેની તપાસ ચાલી રહી છે.




