ઉમરેઠી ખાતે કૃષિ સખી અને કિસાન મિત્રોસાથે ગોષ્ઠી કરતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

ઉમરેઠી ખાતે કૃષિ સખી અને કિસાન મિત્રોસાથે ગોષ્ઠી કરતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી
——————
પ્રાકૃતિક ખેતીને જો ઈશ્વરીય કાર્ય માનીને કાર્ય કરવામાં આવે તો ઉત્તમ પરિણામ મળી શકે છે
રાજ્યપાલશ્રી
——————
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ગીર સોમનાથ જિલ્લાની બે દિવસીય મુલાકાતે છે. જેના પહેલા દિવસે રાજ્યપાલશ્રીની ઉપસ્થિતિમાં ઉમરેઠી ખાતે ખેડૂતો સાથે પ્રાકૃતિક પરિસંવાદ યોજાયા બાદ ગીર સોમનાથ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિને ઉત્તેજન આપવા માટે કાર્યરત કૃષિ સખી તથા કિસાન મિત્રો સાથે ગોષ્ઠી યોજીને પ્રાકૃતિક ખેતી વિશે સંવાદ સાધ્યો હતો.
રાજ્યપાલશ્રીએ કૃષિ સખીઓ અને કિસાન મિત્રોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી એ વૈશ્વિક માંગ બની છે. ધરતીનું ઉત્પાદન ઘટવાનું શરૂ થઈ ગયું છે. આવી સ્થિતિમાં તમારા ખભા પર જવાબદારી વધી જાય છે કે, જિલ્લાના વધુને વધુ લોકો સુધી પ્રાકૃતિક ખેતીની જાણકારી પહોંચે. કોઈપણ ક્ષેત્રમાં અધુરુ જ્ઞાન એ ખતરનાક છે. જ્યારે તમને પૂર્ણવિશ્વાસ આવી જાય કે આ જ યોગ્ય છે, ત્યારે જ એ કામ કરવું જોઈએ. પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો વિશે જાણી અને લોકો સુધી પહોંચાડવા જોઈએ.
રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, સમગ્ર સૃષ્ટિનો આધાર જમીન છે. સમગ્ર પૃથ્વીને ચલાવનાર તત્વ હોય તો તે ભગવાન છે. ત્યારે પૃથ્વી અને આ જમીનનું સંરક્ષણ એ ઈશ્વરીય કાર્ય સમાન છે.
જો કૃષિમાં રાસાયણિક ખાતર નાખીને જમીનને દૂષિત કરીશું તો તેના લીધે કેન્સર જેવા રોગો થશે. જો આપણે આવું કરીશું તો તેને બનાવનાર ઈશ્વરને આ કાર્ય ગમશે નહીં. ત્યારે આપણે ઈશ્વરને પ્રિય થઈને આ ધરતીનું સંરક્ષણ કરીએ અને જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ કઈ રીતે વધે તે માટે કઈ રીતે કાર્ય કરીએ તે અંગેનો ઉપયોગી માર્ગદર્શન રાજ્યપાલશ્રીએ આપ્યું હતું.
રાજ્યપાલશ્રીએ મોટી સંખ્યામાં ઉપસ્થિત કૃષિ સખી અને કિસાન મિત્રો કે જેઓ પ્રાકૃતિક કૃષિ પણ કરી રહ્યાં છે તેમને જોઈને આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લામાં કૃષિની જમીન ઉપજાઉ છે. કૃષિકારોનો પરિશ્રમ પણ સારો છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લાના કૃષિકારો પ્રાકૃતિક કૃષિના આ અભિયાન સાથે જોડાય તે સમયની માંગ છે.
રાજ્યપાલશ્રીએ ગીર સોમનાથ જિલ્લામાં હાથ ધરાયેલા પ્રાકૃતિક કૃષિના પ્રયાસો માટે જિલ્લા કલેક્ટર શ્રી તેમજ આત્મા વિભાગ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી તમામ કૃષિ સખા/સખી સહિત જિલ્લામાં પ્રાકૃતિક કૃષિની કામગીરી કરતા ખેડૂતોને અભિનંદન પાઠવ્યાં હતાં.
રિપોર્ટર :-તુલસી ચાવડા ગીર સોમનાથ




