તલોદની નિજાનંદ પાર્ક સોસાયટીમાં ઉભરાતી ગટરો છતાં તંત્રના મરામત મુદ્દે ઠાગાઠૈયા

તલોદની નિજાનંદ પાર્ક સોસાયટીમાં ઉભરાતી ગટરો છતાં તંત્રના મરામત મુદ્દે ઠાગાઠૈયા
સાબરકાંઠા જિલ્લાના વેપારી મથક તલોદ નગરમાં કોલેજ રોડ ઉપર આવેલ નિજાનંદ પાર્ક સોસાયટીમાં ગટરો ઉભરાઈ રહી હોવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા અતિશય દુર્ગંધ અને પ્રદૂષિત પાણી જાહેર માર્ગો ઉપર ફરી વળતા પાણીજન્ય રોગચાળો ફાટી નિકળવાની શક્યતાને પગલે સોસાયટીના રહીશોમાં આક્રોશ જાવા મળી રહ્યો છે.
તલોદ નગરપાલિકામાં ભાજપાનું શાસન છે.તાજેતરમાં યોજાયેલ ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોએ મતદારોને રોડ,રસ્તા,ગટર,સ્ટ્રીટ લાઈટ અને સ્વચ્છા મુદ્દે કોઈ કચાશ રાખવામાં નહી આવે તેવા ઠાલા વચનો આપી જનતા પાસેથી મત મેળવી સત્તા હાંસલ કરી લીધા બાદ ન રોવા કુંજ રોવા જેવી હાલત સોસાયટીના રહીશોની કરી નાખી છે.આખાય ચોમાસા દરમ્યાન ગટર લાઈનો પ્રતિદિન ઉભરાઈ રહી છે.ગટરના દૂષિત પાણી જાહેર માર્ગો ઉપર ફરી વળ્યા છે.ન.પા.માં સોસાયટીના રહીશો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓનું કે પાલિકા તંત્રનું પેટનું પાણી નહી હલતા સોસાયટીની રહીશોમાં ભારે આક્રોશ ફેલાયો છે.સત્વરે આ ઉભરાતી ગટરોની સમસ્યા પાલિકા દ્વારા હલ કરવામાં નહી આવે તો સોસાયટીની રહીશો ઉગ્ર આંદોલન છેડશે તેવો પણ ગણગણાટ સંભળાઈ રહ્યો છે.બોક્સ – *ન.પા.તંત્રની અણઆવડતનો બેનમૂન નમૂનો*
તલોદ નગરની નિજાનંદ પાર્ક સોસાયટીમાં કોમન પ્લોટ નજીકથી પસાર થતી ગટરલાઈન માં જે તે વખતે બે લાઈનનું કનેક્શન ભેગુ ન કરવા મુદ્દે સ્થાનિકો વિરોધ દર્શાવ્યો હતો.છતાં ન.પા.સેનેટરી વિભાગના અધિકારીઓ,સત્તાધીશો દ્વારા ઠસનામસ ના થતાં અણઆવડતના કારણે જાણે નેવાના પાણી મોભારે ચઢાવા નિકળ્યા હોય તેમ કનેક્શન જાઈન્ટ કરી દેતા આજે ગટર ઉભરાવી સમસ્યાનું નિર્માણ થતાં પ્રદૂષિત અને દુરંધ વેઠવાનો વારો સોસાયટીની રહીશોને આવ્યો છે.કલાકો સુધી પ્રદૂષિત પાણી જાહેર માર્ગો ઉપર રહેતા પાણીજન્ય જીવજંતુઓનો ઉપદ્રવ થયો છે.જેના કારણે રોગચાળો ફેલાવાની પણ સંભવના વર્તાઈ રહી છે.
*અંધેરી નગરી ગંડુ રાજા જેવો ભાજપનો વહીવટ*
કોલેજ રોડ ઉપરની નિજાનંદ પાર્ક સોસાયટીમાં વર્ષોથી ગટર ઉભરાવાની સમસ્યા છે.પાલિકાએ જાણે પેટ ચોળીને દુખ ઉભુ કર્યું હોય તેમ પાણીનો નિકાલ ન થઈ શકે તેવી ગટર લાઈનમાં બીજી લાઈનનું કનેક્શન જાઈન્ટ કરતા બંન્ને તરફના પ્રેશરને લઈને ગટરો ઉભરાઈ રહી છે.સ્પષ્ટ બહુમતી સાથે પાલિકામાં સત્તાનું સુકાન સંભાળતી ભાજપાની ટીમે જાણે પ્રધાનમંત્રીના સ્વચ્છ ભારત મિશનના જ ધજાગરા ઉડાડ્યા હોય તેવી કામગીરી ઉડીને આંખે વળગી રહી હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નહી આવતા અંધેરી નગરી અને ગંડુ રાજા જેવો ઘાટ હાલ તો જાવા મળી રહ્યો છે.
*ન.પા.ઉપ-પ્રમુખ,સેનેટરી વિભાગે મુલાકાત લીધી*
કોલેજ રોડ ઉપરની નિજાનંદ પાર્ક સોસાયટીમાં ગટર લાઈન ઉભરાવી સમસ્યાને લઈને આજે ન.પા.ઉપ-પ્રમુખ સહિત સેનેટરી વિભાગના અધિકારી,કર્મચારીઓ સ્થળ મુલાકાત લઈ સમસ્યાના નિવારણ માટે હૈયાધારણા આપી હતી.પરંતુ હવે જાવુ રહ્યું કે આ ઉભરાતી ગટર લાઈનની સમસ્યાનું કાયમી નિવેડો આવે છે કે પણ દિવા તળે અંધારા જેવો ઘાટ સર્જાય છે તે તો સમયજ બતાવશે પરંતુ હાલ તો સોસાયટીની રહીશોમાં આક્રોશનો પારો આસમાને પહોચ્યો છે.આગામી દિવસોમાં નવરાત્રી પર્વ નજીકમાં હોઈ સત્વરે આ ગટર લાઈન ઉભરાવાની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવે તે સોસાયટીની હિતમાં લેખાશે.
અહેવાલ :જીતુભા રાઠોડ તલોદ




