ઊચપા ગામના આંગણે દેશભક્તિનો અનોખો સંગમ: પિતા ભારતીય સેનામાંથી નિવૃત્ત થયા, તો પુત્ર BSF માં ટ્રેનિંગ પૂર્ણ કરી વતન પરત ફર્યો
દેશસેવા એ માત્ર વ્યવસાય નથી, પણ સંસ્કાર છે. આવો જ દેશભક્તિનો માહોલ આજે ઊચપા ગામમાં જોવા મળ્યો હતો. ગામના પનોતા પુત્ર વેણ નગીનભાઈ હરિભાઈએ BSF (સીમા સુરક્ષા દળ) માં પોતાની કઠિન ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી આજે માદરે વતન પરત ફરતા સમગ્ર ગ્રામજનોએ તેમનું ભવ્ય અને ભાવભીનું સ્વાગત કર્યું હતું.વીરતાનો વારસો: પિતાના પગલે પુત્ર આ પ્રસંગની વિશેષતા એ છે કે નગીનભાઈના પિતાશ્રી પણ હમણાં જ ભારતીય સેના (Indian Army) માંથી પોતાની નિવૃત્તિ લઈ વતન પરત આવ્યા છે. પિતાની નિવૃત્તિ બાદ તુરંત જ પુત્રએ દેશની સરહદો સાચવવાની જવાબદારી સ્વીકારી લેતા પરિવારમાં અને ગામમાં ખુશીનો પાર નથી. એક બાપ માટે આનાથી મોટી ગૌરવની ક્ષણ કઈ હોઈ શકે કે જે રાષ્ટ્રની રક્ષા પોતે કરી, હવે તે જ ફરજ તેનો પુત્ર નિભાવવા જઈ રહ્યો છે.ગામમાં દિવાળી જેવો માહોલ નગીનભાઈના ગામમાં પ્રવેશતા જ ઢોલ-નગારા અને દેશભક્તિના નારા સાથે ગ્રામજનો દ્વારા તેમને વધાવવામાં આવ્યા હતા. ફૂલહાર અને ગુલાલથી આખું ગામ રંગાઈ ગયું હતું. યુવાનો માટે નગીનભાઈ અને તેમનો પરિવાર પ્રેરણાનો સ્ત્રોત બન્યા છે. પરિવારજનોએ હર્ષની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “અમારા માટે આ ગર્વની વાત છે કે અમારી પેઢી રાષ્ટ્ર સેવા માટે સમર્પિત છે.”
અહેવાલ : અજેસીભાઇ પરમાર વાવ – થરાદ




