Entertainment

ભુજમાં ધોળા દિવસે હથિયારોની અણીએ યુવકનું અપહરણ: ઉઘરાણીના મામલે ગાંધીધામની ત્રિપુટી ઝડપાઈ

ભુજમાં ધોળા દિવસે હથિયારોની અણીએ યુવકનું અપહરણ: ઉઘરાણીના મામલે ગાંધીધામની ત્રિપુટી ઝડપાઈ

 

અહેવાલ. ધરકાસ મોખા

 

ભુજ. કચ્છ

ભુજ બી-ડિવિઝન પોલીસ સ્ટેશન

રૂપિયાની લેવડદેવડના મામલે ભુજ શહેરમાં દિવસના અજવાળે હથિયારો બતાવીને એક યુવકનું થાર ગાડીમાં અપહરણ કરવામાં આવ્યું હતું. જોકે, ભુજ પોલીસની તત્કાળ કાર્યવાહી અને નાકાબંધીના કારણે ગાંધીધામના કિડાણા વિસ્તારની આ ત્રિપુટીને ઝડપી લેવામાં આવી હતી અને અપહૃત યુવકને સુરક્ષિત મુક્ત કરાયો હતો.

અપહરણની ઘટના: રીજન્ટા હોટેલ સર્કલ પાસે

શનિવારે બપોરે લગભગ પોણા ચાર વાગ્યાના સુમારે ભુજના રીજન્ટા હોટેલ સર્કલ નજીક આ ઘટના બની હતી. ગાંધીધામના કિડાણાનો રહેવાસી સુલતાન ગની છુછીયા તેના બે સાગરીતો સાથે આવ્યો હતો અને તેણે અબ્બાસ મોખા નામના યુવકને માર મારી જબરદસ્તીથી થાર કારમાં બેસાડી દીધો હતો.

જૂનો વિવાદ: કાર ગીરવે મૂકવાનો મામલો

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અપહરણ પાછળ રૂપિયાની ઉઘરાણીનો વિવાદ હતો. અબ્બાસ મોખાની સ્વિફ્ટ કાર તેના મિત્રો સની દનિચા અને અઝીઝ સમાએ સુલતાન છુછીયા પાસે ગીરવે મૂકી રૂપિયા લીધા હતા. બાદમાં અબ્બાસને પોતાની કારની જરૂર પડતાં તે પોતે સુલતાન પાસેથી કાર પાછી લઈ આવ્યો હતો અને રૂપિયા પરત અપાવવાની જવાબદારી લીધી હતી. જોકે, સુલતાનને લાંબા સમય સુધી આ રકમ પાછી મળી નહોતી.

મુલાકાત ગોઠવી અપહરણ

રકમ પરત ન મળતા, શનિવારે સુલતાને અબ્બાસના કુટુંબી ભાઈ મુસ્તાક ઉર્ફે પટેલ મમણને ફોન કરીને અબ્બાસ સાથે મુલાકાત ગોઠવવાનું કહ્યું હતું. મુસ્તાકની વાતચીત બાદ અબ્બાસ, મુસ્તાક અને અન્ય બે મિત્રો સાથે રીજન્ટા હોટેલ સર્કલ પાસે સુલતાનને મળવા પહોંચ્યો હતો.

અહીં, નંબર પ્લેટ વગરની થાર કારમાં સુલતાન તેના ભાઈ આરીફ અને મિત્ર ફરીદ રહીમ જામ સાથે આવ્યો હતો. મળતાની સાથે જ સુલતાન અને તેના સાગરીતોએ અબ્બાસને માર મારવાનું શરૂ કર્યું અને બળજબરીથી થારમાં બેસાડી અપહરણ કરી લીધું. જ્યારે મુસ્તાકે વચ્ચે પડવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેને ધારિયું બતાવીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.

પોલીસે નાકાબંધી કરીને ઝડપ્યા

બનાવ બનતાની સાથે જ મુસ્તાક તાત્કાલિક ભુજ બી-ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યો અને સમગ્ર ઘટનાની જાણ કરી. પોલીસે સમય ન બગાડતાં તરત જ ગુનો નોંધી, ગાંધીધામ બી-ડિવિઝન પોલીસનો સંપર્ક કર્યો અને તાત્કાલિક નાકાબંધી ગોઠવી દીધી.

ગાંધીધામ પી.આઈ. એસ.વી. ગોજીયા અને તેમની ટીમે સતર્કતા દાખવીને નાકાબંધી દરમિયાન થાર કારને આંતરી લીધી હતી. પોલીસે અપહરણ કરનારા સુલતાન, તેના ભાઈ અને સાગરીતને દબોચી લીધા હતા અને અપહૃત અબ્બાસ મોખાને સુરક્ષિત રીતે મુક્ત કરાવ્યો હતો.

અપહરણકર્તાનો ગુનાહિત ઇતિહાસ

પોલીસે જણાવ્યું કે અપહરણનો મુખ્ય આરોપી સુલતાન છુછીયા કિડાણાનો રીઢો ગુનેગાર છે. અગાઉ ૨૦૨૨માં તેના પર રૂપિયાની વસૂલાત માટે એક વ્યક્તિને ગોંધી રાખવાનો ગુનો આદિપુરમાં નોંધાયો હતો, જ્યારે ૨૦૨૪માં તેની સામે ખંડણી અને ગેરકાયદેસર વ્યાજખોરીના મામલે ગાંધીધામ બી-ડિવિઝનમાં ગુના દાખલ થયેલા છે. ઉલ્લેખનીય છે કે, ગત એપ્રિલ મહિનામાં ગાંધીધામ પોલીસે સરકારી જમીન પર અતિક્રમણ કરીને સુલતાને ગેરકાયદેસર રીતે ચણેલી ૧૦ દુકાનો અને સર્વિસ સ્ટેશન પર બુલડોઝર ફેરવી દીધું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!