કડાણા તાલુકાના માલવણ ગામે વિશ્વકર્મા હોલ ખાતે વૈજ્ઞાનિકો સાથે ખેડૂત ઇન્ટરેક્શન (સંવાદ) કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતો કૃષિ ખર્ચ ઘટાડીને અને પર્યાવરણનું સંતુલન જાળવીને પ્રાકૃતિક ખેતીના સંપૂર્ણ પાંચેય આયામો અપનાવે તે માટે માર્ગદર્શન આપવાનો હતો.

કડાણા તાલુકાના માલવણ ગામે વિશ્વકર્મા હોલ ખાતે વૈજ્ઞાનિકો સાથે ખેડૂત ઇન્ટરેક્શન (સંવાદ) કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતો કૃષિ ખર્ચ ઘટાડીને અને પર્યાવરણનું સંતુલન જાળવીને પ્રાકૃતિક ખેતીના સંપૂર્ણ પાંચેય આયામો અપનાવે તે માટે માર્ગદર્શન આપવાનો હતો.
આ કાર્યક્રમનો હેતુ ખેડૂતોને મોંઘા રાસાયણિક ખાતર, દવા અને બિયારણનો ખર્ચ ઘટાડીને પ્રાકૃતિક ખેતી સાથે જોડાવવા પ્રેરિત કરવાનો અને આસપાસના અન્ય ખેડૂતોને પણ આ માટે માર્ગદર્શન આપવા સક્ષમ બનાવવાનો હતો.
આ કાર્યક્રમમાં વિસ્તરણ અધિકારી દ્વારા ખેતીવાડીની તમામ સરકારી યોજનાઓની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.તથા આત્માના સ્ટાફ દ્વારા આત્મા પ્રોજેક્ટની વિવિધ પ્રવૃત્તિઓ અને તેમાં જોડાવાની માહિતી પૂરી પાડવામાં આવી હતી.
આ ઉપરાંત પ્રગતિશીલ ખેડૂત અને તાલુકા સંયોજક દ્વારા પ્રાકૃતિક ખેતીનું મહત્વ, ખર્ચ-આવકનું સંતુલન, પર્યાવરણ સાથેનો સમન્વય, અને જીવસૃષ્ટિના આરોગ્ય માટેના ફાયદાઓની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે આ ખેતીથી જમીનની ફળદ્રુપતા વધે છે, તે જીવંત બને છે અને ઓર્ગેનિક કાર્બન વધવાથી પાકનું ઉત્પાદન આપમેળે વધે છે.
વધુમાં પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રીએ કૃષિ સખી, સીઆરપી, ફાર્મર ફ્રેન્ડ, અને મોડલ ફાર્મના સંચાલકોને પ્રાકૃતિક ખેતીનો વ્યાપ કેવી રીતે વધારવો તે અંગે તેમની ફરજો અને કાર્યો માટે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે તમામ સીઆરપી અને કૃષિ સખીને પોતે પણ પ્રાકૃતિક ખેતી કરીને સમાજમાં નવો રાહ ચીતરવા જણાવ્યું હતું.
ઉલ્લેખનિય છે કે KVKના વૈજ્ઞાનિક શ્રીએ પ્રાકૃતિક ખેતીમાં મધમાખી પાલન કેવી રીતે કરવું અને તેનાથી આવક કેવી રીતે વધારી શકાય તે અંગે ચર્ચા કરી હતી. KVKના વડાશ્રીએ પ્રાકૃતિક ખેતીની સાથે સાથે બાગાયત ખેતી અને પશુપાલન વિશે પણ સંક્ષિપ્તમાં માહિતી આપી હતી.
કાર્યક્રમના અંતે, ખેડૂતો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોનું વૈજ્ઞાનિક શ્રી દ્વારા સંતોષકારક અને હકારાત્મક જવાબ આપીને નિરાકરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકા ઉપપ્રમુખ શ્રી, વિસ્તરણ અધિકારી (કડાણા), પ્રોજેક્ટ ડાયરેક્ટર (આત્મા), કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK)ના વડાશ્રી તેમજ વૈજ્ઞાનિક શ્રી ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, એફપીઓના સંચાલક અને તાલુકા સંયોજક પણ હાજર રહ્યા હતા.
અહેવાલ :દિનેશ ચમાર મહીસાગર




