રાષ્ટ્રીય સુરક્ષાને લગતી ગુપ્ત માહિતી પાકિસ્તાનના એજન્ટને મોકલી જાસૂસી કરનાર ઇસમની ધરપકડ કરતી ગુજરાત એ.ટી.એસ.

ગુજરાત એ.ટી.એસ.ના પો.સ.ઈ શ્રી આર.આર.ગરચર નાઓને તા.૨૯/૦૪/૨૦૨૫ ના રોજ ગુપ્ત બાતમી મળેલ કે, સહદેવસિંહ દિપુભા ગોહિલ ઉં, વર્ષ: ૨૮, રહે. નારાયણ સરોવર, તા.લખપત, જી.કચ્છ, હાલ પી.એચ.સી., માતાના મઢમાં મલ્ટી પરપઝ હેલ્થ વર્કર તરીકે દયાપર-૧ બીટમાં કોન્ટ્રાકટ ઉપર નોકરી કરે છે અને તેઓ બી.એસ.એફ. અને ભારતીય નૌકાદળ ની માહીતીઓ કે જે ભારત દેશની સુરક્ષા અને સલામતી માટે ખુબજ અગત્યની હોય તેવી ગુપ્ત અને સંવેદનશીલ માહીતીઓ વોટ્સએપના માધ્યમથી દુશ્મન દેશ પાકિસ્તાનના એજન્ટને તેના વોટસએપ ઉપર મોકલે છે.
સદર બાતમી હકીકત બાબતે એ.ટી.એસ ગુજરાતના ઉચ્ચ અધિકારીશ્રી ઓને જાણ કરતા, તેઓ દ્વારા કેન્દ્રીય એજન્સી મારફતે આ બાતમી અંગે ખાતરી કરાવવામાં આવેલ. જે બાદ પોલીસ અધિક્ષક શ્રી સીધ્ધાર્થ કોરૂકોંડા, નાયબ પોલીસ અધિક્ષક શ્રી હર્ષ ઉપાધ્યાય નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેક્ટર શ્રી પી.બી દેસાઈ, પોલીસ સબ ઈન્સ્પેક્ટર (વાયરલેસ) શ્રી ડી. વી. રાઠોડ, પોલીસ સબ ઈન્સ્પેક્ટર આર.આર.ગરચરનાઓની ટીમ બનાવી બાતમી બાબતે ટેકનીકલ તથા હ્યુમન રીસોર્સીસ દ્વારા વર્ક આઉટ કરી ઉપરોક્ત ઈસમને તા. ૦૧/૦૫/૨૦૨૫ ના રોજ પૂછપરછ અર્થે એ.ટી.એસ. ગુજરાત, અમદાવાદ ખાતે લાવવામાં આવેલ. જેની પૂછપરછ દરમ્યાન જાણવા મળેલ કે, તે છેલ્લા એકાદ વર્ષથી પી.એચ.સી., માતાના મઢમાં મલ્ટી પરપઝ હેલ્થ વર્કર તરીકે દયાપર-૧ બીટમાં કોન્ટ્રાકટ ઉપર નોકરી કરે છે. તે ૨૦૨૩ જુન કે જુલાઇથી અદિતી ભારદ્વાજ નામ ધારણ કરનાર કોઇ પાકિસ્તાની એજન્ટ સાથે WhatsApp દ્વારા સંપર્કમાં છે. આ પાકિસ્તાની મહીલા એજન્ટ સાથે મિત્રતા થતા મહીલા એજન્ટ દ્વારા પોતાના ગામ આસપાસ બી.એસ.એફ., ભારતીય નૌકાદળની ઓફિસોના અને ત્યા થતા નવા બાંધકામના ફોટો અને વિડિયો માંગતા પકડાયેલા આરોપી સહદેવસિંહએ બી.એસ.એફ. અને ભારતીય નૌકાદળના કાર્યક્ષેત્રમાં આવતા વિસ્તારમાં ચાલતા બાંધકામ અને નવા થનાર બાંધકામના વિષેની ગુપ્ત અને સંવેદનશીલ માહીતીના ફોટા અને વિડીયો WhatsApp મારફતે દુશ્મન દેશ પાકિસ્તાનના આ એજન્ટને મોકલી આપેલ છે. તે બદલ સદર પાકિસ્તાની એજન્ટ દ્વારા પકડાયેલ આરોપી સહદેવસિંહ ગોહિલના ઓને આર્થિક ફાયદો કરાવેલ છે.
તેમજ જાન્યુઆરી-૨૦૨૫માં સહદેવસિંહે પોતાના અધારકાર્ડથી પોતાના નામનુ જીઓ કંપનીનું સીમકાર્ડ લઈ ફેબ્રુઆરી ૨૦૨૫માં આ પાકિસ્તાનના એજન્ટને WhatsApp ઑટીપી આપી WhatsApp ચાલુ કરી આપેલ અને તે WhatsApp નંબર પર પણ બી.એસ.એફ. અને ભારતીય નૌકાદળના કાર્યક્ષેત્રમાં આવતા વિસ્તાર ખાતે આવેલ ઓફિસોના ફોટો અને તે વિસ્તારમાં ચાલતા બાંધકામના નવા અને જુના ફોટો અને વિડિયો મોકલી આપેલ છે. ત્યારબાદ પકડાયેલ આરોપી સહદેવસિંહ ગોહિલના મોબાઇલ ફોનને FSL ખાતે ફોરેન્સીક એનાલીસીસ સારૂ મોકલી આપવામા આવેલ. FSL ખાતેથી સદર આરોપીના મોબાઈલ ફોનના ડેટા મેળવી તે ડેટાનો ટેકનીકલ એનાલીસ વર્કઆઉટ કરી તેમાંથી સદર પાકિસ્તાન મહીલા એજન્ટ સાથેની વોટ્સએપ ચેટ તેમજ કોલ તથા મોકલેલ સંવેદનશીલ અને ગુપ્ત માહિતીના જરૂરી પુરાવા મેળવેલ.
જેથી ઉપરોક્ત માહિતી તથા પુરાવા આધારે સહદેવસિંહ દિપુભા ગોહિલ તથા પાકીસ્તાની મહિલા એજન્ટ અદિતી ભારદ્વાજ દ્વારા બી.એસ.એફ. અને ભારતીય નૌકાદળ અંગેની રાષ્ટ્રીય સુરક્ષાને લગતી ગુપ્ત અને સંવેદનશીલ માહીતી ગેરકાયદેસર રીતે મેળવી આપ-લે કરેલ હોય તેઓ વિરુદ્ધ ગુજરાત એ.ટી.એસ ખાતે ગુનો રજીસ્ટર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
અહેવાલ : સી. કે. નાથ