• નલ સે જલ યોજના નિષ્ફળ થતાં લાખોના ખર્ચા પછી પણ પ્રજા તરસતી

11 ફળિયાની પ્રજાને ઉનાળામાં પાણી માટે વલખા મારવાનો વારો આવ્યોનલ સે જલ યોજના નિષ્ફળ થતાં લાખોના ખર્ચા પછી પણ પ્રજા તરસતી
જલ જીવન મિશન હેઠળ ગરબાડા તાલુકાના માતવા પંથકમાં નલ સે જલ યોજના પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવા, આ યોજના સ્થાનિક લોકો માટે ‘ક્યાંક ખુશી ક્યાંક ગમ’ જેવી સિ્થતિ સર્જી રહી છે. યોજનાનો મુખ્ય હેતુ લોકોને તેમના ઘર આંગણે પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો હતો, પરંતુ હલકી કક્ષાની કામગીરી અને તંત્રની નિષિ્ક્રયતાના કારણે આ યોજના મોટાભાગના વિસ્તારોમાં નિષ્ફળ સાબિત થઈ રહી છે.
માતવા ગામના મખોડીયા ફળિયું, મકવાણા ફળિયું, છાપરા ફળિયું, કટારા ફળિયું, કળમી ફળિયું, નવા ફળિયા, ખાંખોર ફળિયું, ડામોર ફળિયું, પટેલ ફળિયું, બાંગડીયા ફળિયું અને નવી વસાહત જેવા અનેક ફળિયાના લોકો છેલ્લા એક વર્ષથી પાણી માટે વલખાં મારી રહ્યા છે. આ ફળિયાઓને નલ સે જલ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા નથી, જેના કારણે તેઓને પીવાના પાણી માટે પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉનાળાની શરૂઆત થતા જ પાણીની તકલીફ વધુ વકરી છે. તડકામાં દૂર દૂર સુધી પાણી ભરવા જવું પડે છે, જેના કારણે ખાસ કરીને મહિલાઓ અને વૃદ્ધોને ભારે હાલાકી ભોગવવી પડે છે.પશુઓ માટે પણ પાણીની વ્યવસ્થા કરવી મુશ્કેલ બની રહી છે. નલ સે જલ યોજનાની કામગીરીની વાત કરીએ તો, ઠેર ઠેર અધૂરા કામો જોવા મળીરહ્યા છે. અનેક જગ્યાએ નળ તૂટેલી હાલતમાં છે. ગામમાં પાણીના ટાંકા તો બનાવવામાં આવ્યા છે પરંતુ તે છેલ્લા ઘણા સમયથી અધૂરા પડેલા છે અને માત્ર શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. લાખો રૂપિયાનો ખર્ચ કરવા છતાં લોકોને પાણી ન મળવું એ તંત્રની બેદરકારીનું જીવંત ઉદાહરણ છે. સ્થાનિક લોકો જે ફળિયા યોજનાથી બાકાત છે તેમને તાત્કાલિક પાણીની સુવિધા પૂરી પાડવામાં આવે અને અધૂરા કામોને ઝડપથી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.
તળાવમાં પણ પાણીના તળ આવી ગયા છે. આ બાબતે અનેક વખત સંબંધિત અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે લોકોને ભર ઉનાળે પાણીની તકલીફ પડી રહી છે. તળાવમાં પણ પાણીના તળ આવી ગયા છે. પીવાના પાણીની ખુબ તકલીફ છે.લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.- વરસિંગભાઇ ડામોર, માતવા, સ્થાનિક